પાટણઃ પાટણના હારીજમાં પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીને તાલિબાની સજા આપવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે આ મામલે 15 લોકોની અટકાયત કરી હતી. મહિલા આયોગે પણ આ મામલે પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતીને પ્રેમ કરવાની સજા ક્રૂર રીતે આપવામાં આવી રહી છે. યુવતીનું મોં કાળુ કરીને મુંડન કરી આખા ગામમાં ફેરવવામાં આવી રહી છે.
હારીજની એક યુવતીને પ્રેમ થઇ ગયો હતો. યુવતીને ખબર હતી કે સમાજ તેના પ્રેમને સ્વીકારશે નહીં જેથી તેણે સમાજના નિયમોને નેવે મૂકીને પ્રેમી સાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. યુવતી પ્રેમી સાથે ભાગવામાં સફળ રહી હતી પરંતુ યુવતીના આ પગલાની જાણ લોકોને થતા યુવતીને પકડીને લાવવામાં આવી હતી. યુવતીના માથે મૂંડન કરવામાં આવ્યું હતું. બાદમાં તેનું મોઢું કાળું કરી માથા પર ગરમ કોલસા મુકી આખા ગામમાં ફેરવવામાં આવી. આ દરમિયાન તેના હાથ પર બાંધી દેવાયા હતા.