સાબરકાંઠાનાં ઇડર તાલુકામાં આવેલું કડિયાદરા ગામ અહીની નવરાત્રી અને રાવણ દહન માટે સમગ્ર રાજ્યમાં વિખ્યાત છે. અહીં ગામવાસીઓ રાવણ દહનને ખાસ મહત્વ આપે છે. તેને ‘વિજય ઉત્સવ’ તરીકે ઉજવે છે. અહીં છેલ્લા 38 વર્ષથી રાવણ દહન કરવામાં આવે છે. અને આજની યુવા પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે.
આ વર્ષની તૈયારીઓ અંગે વાત કરતા નવરાત્રી ‘માઇ મંડળ’નાં સભ્ય હર્ષદભાઇ એચ પટેલનાં જણાવ્યાં અનુસાર, આ વખતે 45થી 50 હજાર રૂપિયાનું દારુખાનું રાવણનાં પુતળામાં ભરવામાં આવ્યું છે. અને આ માટેની ખાસ તૈયારીઓ થઇ ગઇ છે. ગામનાં હાઇસ્કૂલનાં મેદાનમાં રાવણ દહન દર વર્ષે આયોજવામાં આવે છે. જોકે આ વખતે કોરોનાની ગાઇડલાઇન સંપૂર્ણ ફોલો કરવામાં આવી છે તેથી ફક્ત ગણતરીનાં ગ્રામજનોની હાજરીમાં જ આ રાવણ દહન કરવામાં આવશે.
વર્ષ 1984માં કડિયાદરા ગામમાં સૌ પહેલો રાવણ દહન કરવામાં આવ્યો હતો. જે ગામનાં કડિયા ભાલચંદ્ર ભાઇ કડિયાએ બનાવ્યો હતો. તેઓ હાલમાં હયાત નથી. પણ તેમણે શરૂ કરેલી આ પરંપરા આજે પણ હયાત છે. તે સમયે વાંસ અને ઘાસમાંથી રાવણ બનાવવામાં આવ્યો હતો. તે સમયે ગામમાં રામ મંદીરથી શોભા યાત્રા નીકળતી હતી અને નદીનાં પટમાં રામજીની મૂર્તિની હાજરીમાં રાવણ દહન કરવામાં આવ્યો હતો. છેલ્લાં 38 વર્ષથી આ પરંપરા ચાલુ છે. વર્ષ 1992માં 22 ફૂટ ઊંચુ લોખંડનું પુતલું બનાવવામાં આવ્યું. જેનું હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં દહન થતું.