ટ્રાફિકથી ભરચક અમદાવાદના ઇન્કમટેક્સ રોડ પર લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ડીસાથી અમદાવાદ આવેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલી રોકડ તેમજ ચાંદીના દાગીના ભરેલી બેગ લઈને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા. જો કે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડીસાના માધવ મગન અને મહેન્દ્ર મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ અને ચાંદી લઈને અમદાવાદ એસટી બસમાં આવ્યા હતા. અમદાવાદ ઇન્કમટેક્સ નજીક બસમાંથી ઉતર્યા બાદ આંગડિયા કર્મચારીઓ ચાલતા-ચાલતા ઇન્કમટેક્સ ચાર રસ્તા તરફ જતા હતા. આ દરમિયાન 2 બાઇક પર આવેલા લૂંટારૂઓએ ફાયરિંગ કરીને આંગડિયા કર્મી પાસે રહેલ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા.
લૂંટારાઓ જે બેગ લઈને ફરાર થયા હતા તેમાં માધવ મગન આંગડિયા પેઢીના 3 લાખ રોકડ અને 3 કિલો ચાંદીના દાગીના હતા. આ સાથે જ મહેન્દ્ર મગન આંગડિયા પેઢીના 4.50 લાખ રોકડ અને 4 થી 5 કિલો ચાંદીના દાગીના હતા. 3 લૂંટારાઓએ જાહેર રોડ પર લૂંટ ચલાવવા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાંથી 1 ગોળી આંગળીયા કર્મીના પગમાં વાગી હતી જેને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. આંગડીયાના કર્મચારીઓ જે બેગ લઈને આવ્યા હતા તેમાં GPS લોકેટર લગાવવામાં આવ્યું હતું જેની જાણ અમદાવાદ ક્રાઇ મબ્રાન્ચને થતા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.