ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ મંગળવારે અચાનક ચર્ચામાં આવી ગયા છે. પરંતુ આ વખતે તે ક્રિકેટના કારણે નહીં પરંતુ રાજનીતિના કારણે સમાચારમાં આવ્યા છે.સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ દ્રવિડ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ વાત સામે આવતા જ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે હવે આ અંગે ખુદ રાહુલ દ્રવિડે નિવેદન જાહેર કર્યું છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું, ‘મીડિયાના એક વર્ગને કહેવામાં આવી રહ્યું છે કે હું 12-15 મે દરમિયાન હિમાચલ પ્રદેશમાં એક મીટિંગમાં હાજરી આપીશ. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ રિપોર્ટ ખોટો છે.
વાસ્તવમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાહુલ દ્રવિડ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા સાથે સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. જોકે, આ દાવો ખોટો નીકળ્યો. નોંધનીય છે કે રાહુલ દ્રવિડની ગણતરી સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેઓ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે, તે પહેલા તેઓ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા હતા.
રાહુલ દ્રવિડ ભાજપ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપવાની અફવાઓ ત્યારે સામે આવી જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી થોડા દિવસો પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. અમિત શાહે તેમના બંગાળ પ્રવાસ દરમિયાન સૌરવ ગાંગુલીના ઘરે ડિનર લીધું હતું.