ગુજરાત એટીએસે હથિયારોની તસ્કરીનાં મોટા રેકેટનો પર્દાફાશ કરી 22થી વધુ આરોપીઓ અને 54થી વધુ હથિયારો કબ્જે કર્યા છે. મધ્યપ્રદેશથી આવતા હથિયારોનું સૌરાષ્ટ્ર કનેક્શન સામે આવ્યું છે.
શું ગુજરાતમાં ગન કલ્ચર ફુલી-ફાલી રહ્યું છે.? આ સવાલ એટલે પૂછવો પડે એમ છે કેમ કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 100થી વધારે પિસ્તોલનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતનાં અલગ અલગ તાલુકામાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ થતું હોવાની માહિતીને આધારે ગુજરાત એટીએસે છેલ્લા બે મહિનામાં ઓપરેશન ચલાવીને 22 આરોપીઓ સહિત 54 ઇન્ડિયન મેઇડ પિસ્તોલ બ્જે કરી છે. આ આરોપીઓ મધ્યપ્રદેશનાં ધાર સહિતનાં સ્થળોએથી પિસ્તોલ ખરીદતા હતા અને તેને ઉંચા ભાવે સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં વેચતા હતા. 20થી 35 હજારમાં એક પિસ્તોલ ખરીદતા અને તેને ગુજરાતમાં 45 હજારથી દોઢ લાખ રૂપિયા સુધીમાં વેચતા. છેલ્લા બે વર્ષમાં આવી 100થી વધુ પિસ્તોલ વેચી હોવાની માહિતી મળી છે.
આ પિસ્તોલોનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં થતો હતો બે આરોપીઓ પર તો ખુન સહિતનાં ગુન્હા પણ નોંધાયેલા છે. મધ્યપ્રદેશથી હથિયાર લાવીને ગુજરાતમાં ગુનાખોરી વધારવાનો આ કારસો એટીએસે નાકામ કર્યો છે. અગાઉ પણ 250થી વધુ હથિયારો એટીએસે જપ્ત કર્યા હતા. હવે આ ગુનામાં નક્સલી સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરાશે.