ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જીતની નજીક પહોંચી ગઇ છે. ભારત આ ટેસ્ટમાં જીતની પાંચ વિકેટ નજીક છે. બીજી ઈનિંગમાં ભારતે 267/7ના સ્કોરે ઈનિંગ્સ ડિક્લેર કરી હતી અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છે. ટાર્ગેટ ચેઝ કરતા ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટના નુકસાન પર 140 રન કર્યા છે અને હજી તેને ડ્રો કરવા માટે બે દિવસ રમવા પડશે.
ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકોલ્સ 36 રને અને રચિન રવિન્દ્ર 2 રન બનાવી અણનમ છે. ભારત તરફથી આર અશ્વિન અત્યાર સુધી કુલ 3 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. મેચમાં હજી બે દિવસની રમત બાકી છે. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 400 રન બનાવવાના છે અને ભારતને 5 વિકેટની જરુર છે.
ટાર્ગેટનો પીછો કરતા NZની શરૂઆત ખરાબ રહી હતી અને કિવિ કેપ્ટન ટોમ લેથમ 6 રન બનાવી આર અશ્વિનના બોલ પર LBW આઉટ થયો હતો. ડેરિલ મિશેલ અને વિલ યંગે બીજી વિકેટ માટે 32 રન કર્યા હતા પરંતુ આ જોડી પણ લાંબું ટકી શકી નહોતી. અશ્વિન આ વર્ષે 50 ટેસ્ટ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ બન્યો છે.