દુબઇઃ ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો 10 વિકેટે પરાજય થયો હતો. 153 રનના મળેલા ટાર્ગેટને પાકિસ્તાનની ટીમે 17.5 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને અણનમ 78 રન બનાવ્યા હતા. ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો આ પહેલો વિજય છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ મેચ 1992 માં રમાઈ હતી.
બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને રોહિત શર્મા શૂન્ય રન પર આઉટ થયો હતો. તે સિવાય લોકેશ રાહુલ પણ ત્રણ રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઇન્ડિયા છ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવ પાસે સારી ઇનિંગની આશા હતી. કારણ કે તેણે આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તે પણ 11 રન બનાવી આઉટ થયો હતો.
કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાને ખરાબ સ્થિતિમાંથી ઉગારતા ક્લાસિક 57 રનન ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 151 રન બનાવ્યા હતા.