સેન્ચુરિયન: દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 3 વિકેટ ગુમાવી 272 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 122 અને અજિંક્ય રહાણે 40 રને રમતમાં છે. પ્રથમ દિવસે ભારતની બધી વિકેટો લુંગી એનગિડીએ ઝડપી હતી.
વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 117 રન જોડ્યા હતા. મયંક અગ્રવાલ 60 રને આઉટ થયો હતો. મયંકના આઉટ થયા પછી ચેતેશ્વર પૂજારા આવ્યો હતો. પૂજારા પ્રથમ બોલે જ ગોલ્ડન ડક થયો હતો.
બે વિકેટ ઉપરા-ઉપર પડતા ભારતીય ટીમ મુશ્કેલમાં જોવા મળી હતી. જોકે અહીંથી કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ સમજદારીભરી બેટિંગ કરી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે 82 રન બનાવ્યા હતા. ભારતનો સ્કોર 199 રન હતો ત્યારે વિરાટ આઉટ થયો હતો. વિરાટે 94 બોલમાં 34 રન બનાવ્યા હતા. વિરાટના આઉટ થયા પછી કેએલ રાહુલે શાનદાર બેટિંગ યથાવત્ રાખતા 217 બોલમાં સદી પુરી કરી હતી. કેએલ રાહુલે ટેસ્ટમાં 7મી અને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ સદી ફટકારી છે. રાહુલે 7 માંથી 6 સદી ઘરની બહાર ફટકારી છે. અજિંક્ય રહાણે 81 બોલમાં 8 ફોર સાથે 40 રન બનાવી રમતમાં છે.