જોહાનિસબર્ગ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 240 રનનો ટાર્ગેટ ચેઝ કરતા 2 વિકેટના નુકસાને 118 રન કર્યા છે. ડીન એલ્ગર 46 રન અને વાન ડેર ડૂસેન 11 રન પર રમતમા છે. તેવામાં મેચમાં હજુ 2 દિવસ બાકી છે અને આફ્રિકન ટીમને જીતવા માટે 122 રનની જરૂર છે.
ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેએ લગભગ 75 મિનિટ સુધી બેટિંગ કરી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. પરંતુ ત્યારપછી 29 રન કરવામાં ઈન્ડિયન ટીમે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન શાર્દૂલ ઠાકુર (28 રન), રવિચંદ્રન અશ્વિન (16 રન) અને હનુમા વિહારી (40* રન)એ ટીમ ઈન્ડિયાને 266 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.
એડન મારક્રમ અને ડીન એલ્ગરને આફ્રિકાને મજબૂત શરૂઆત અપાવી હતી. ટી બ્રેક સુધી બંનેએ 7 ઓવરમાં 34 રન જોડ્યા હતા. ટી-બ્રેક બાદ પ્રથમ ઈનિંગમાં સાત વિકેટ ઝડપનાર શાર્દુલ ઠાકુરે મારક્રમને 31 રન પર lbw આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યાર બાદ અશ્વિને કીગન પીટરસનને 28 રને આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે બે વિકેટ ગુમાવી 85 રન બનાવ્યા હતા. તો ત્રીજા દિવસની શરૂઆત પણ ભારતની સારી રહી હતી. પુજારાએ માત્ર 62 બોલમાં 10 ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તો રહાણેએ 67 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રહાણેએ સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. લાંબા સમય બાદ બંને વચ્ચે સદીની ભાગીદારી જોવા મળી હતી.