તાજેતરની ICC ODI ટીમ રેન્કિંગમાં ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર જીતનો ફાયદો પણ ભારતને મળ્યો છે. ભારતીય ટીમ હવે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતના હવે 109 રેટિંગ પોઈન્ટ છે, જે ચોથા સ્થાને રહેલી પાકિસ્તાની ટીમ કરતા ત્રણ પોઈન્ટ વધુ છે. ન્યુઝીલેન્ડની ટીમ 128 રેટિંગ પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે જ્યારે ઈંગ્લેન્ડ 121 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
જોકે, આગામી સપ્તાહમાં રેન્કિંગ ચાર્ટ બદલાઈ શકે છે કારણ કે છઠ્ઠા ક્રમની દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં પાકિસ્તાન કરતાં માત્ર સાત રેટિંગ પોઈન્ટ પાછળ છે. જો દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ સામેની આગામી ત્રણ મેચની શ્રેણી જીતવામાં સફળ રહે છે તો તેઓ ચોથા સ્થાને પહોંચી શકે છે.
આ સાથે જ ભારત આ સપ્તાહથી વેસ્ટ ઈન્ડિઝ સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચની શ્રેણીમાં સારા પ્રદર્શન સાથે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે. પાકિસ્તાનની આગામી ODI સીરિઝ આવતા મહિને રોટરડેમમાં નેધરલેન્ડ સામે છે, જેમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ પાંચ દિવસના ગાળામાં ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ રમશે.
વિન્ડીઝ પ્રવાસ પર શિખર ધવન કેપ્ટન
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ટીમને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે, જેમાં શિખર ધવન ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. સાથે જ વાઇસ કેપ્ટનની જવાબદારી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના હાથમાં છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓને આ વનડે સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. વનડે સીરીઝ ખતમ થયા બાદ ભારતીય ટીમ પાંચ મેચની ટી20 સીરીઝ પણ રમશે.