જયપુરઃ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. રાહુલ દ્રવિડના ઈન્ડિયાના કોચ તરીકેની આ પ્રથમ મેચ હશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ છોડ્યા બાદ ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે તેથી ભારતીય ટીમ નવા કોચ અને કેપ્ટન સાથે મેદાનમાં ઊતરશે.
ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશિપ સાઉથી કરવાનો છે. વિલિયમ્સને ટેસ્ટ સિરીઝ માટે ટી-20માંથી સિરીઝમાંથી બ્રેક લીધો છે. ન્યૂઝીલેન્ડની ટીમ ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડની સામે ભારતનો ટી-20 રેકોર્ડ સારો નથી. ઈન્ડિયન ટીમ યુવાઓથી ભરપૂર છે, તેથી ન્યૂઝીલેન્ડ જેવા હરીફ સામે તેમની આકરી કસોટી થશે.
ઋતુરાજ ગાયકવાડ, હર્ષલ પટેલ, અવેશ ખાન તથા યુજવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળ્યું છે. સિનિયર બોલર જસપ્રીત બુમરાહને આરામ અપાયો છે. અવેશ ખાન અને મોહમ્મદ સિરાજ ઉપર તમામની નજર રહેશે. ભુવનેશ્વર ફોર્મમાં નથી તેથી તેને બેસ્ટ રિધમમાં પાછા ફરવા માટેની વધુ એક તક આપવામાં આવી છે. રોહિત અને ઉપસુકાની લોકેશ રાહુલ ઇનિંગ્સનો પ્રારંભ કરે લગભગ નિશ્ચિત છે. ઓસ્ટ્રેલિયાની પિચના સ્વભાવને ધ્યાનમાં રાખીને સૂર્યકુમાર યાદવને ચોથા ક્રમના બેટ્સમેન માટે તૈયાર કરવામાં આવશે. ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજાને આરામ અપાયો હોવાથી સ્પિન વિભાગ અક્ષર પટેલ સંભાળશે.
ન્યૂઝિલેન્ડ તરફથી ટિમ સાઉથીની સાથે ટ્રેન્ટ બાઉલ્ટ બોલિંગ આક્રમણ સંભાળશે અને બેટિંગમાં ડેરિલ મિચેલ જેવા ખેલાડીઓના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ ખતરનાક બની શકે છે. ટીમમાં ડેરિલ મિચેલ, માર્ટિન ગુપ્ટિલ, ગ્લેન ફિલિપ્સ ઉપર બેટિંગની, ટિમ સાઉથી અને બાઉલ્ટ ઉપર પેસ એટેકની તથા સાન્તેનર અને ઇશ સોઢી ઉપર સ્પિન બોલિંગની જવાબદારી રહેશે.
જયપુરમાં છેલ્લી મેચ 2013માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ત્યાર બાદ ભારતે ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 359 રનનો ટાર્ગેટ 43.3 ઓવરમાં ચેઝ કરી દીધો હતો. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સદી ફટકારી હતી.
જયપુરમાં દર્શકો પર કોઈ પ્રતિબંધ નથી અને લોકો સ્ટેડિયમમાં સંપૂર્ણ ક્ષમતા સાથે આવીને મેચ જોઈ શકશે. રાજસ્થાન ક્રિકેટ એસોસિયેશનના સચિવ મહેન્દ્ર વર્માએ કહ્યું હતું કે ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીથી લોકોમાં ખુશીનો માહોલ છે. ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીના આયોજકોએ દર્શકોને વેક્સિનના ઓછામાં ઓછા એક ડોઝ સાથે આવવાની મંજૂરી આપી છે. આ સાથે તેમની પાસે નેગેટિવ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ પણ હોવો જરુરી છે.