મુંબઈમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું છે. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 167 રન જ કરી શકી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતમાં કેપ્ટન તરીકે કોહલીની આ સતત ચોથી જીત છે
ચોથા દિવસે ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને જયંત યાદવે રચિન રવીન્દ્રની 18 રને વિકેટ મેળવી ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. રવીન્દ્ર અને હેનરી નિકોલ્સે છઠ્ઠી વિકેટ માટે 90 બોલમાં 33 રન જોડ્યા હતા. બાદમાં જયંતે કાયલ જેમિસનને શૂન્ય રને LBW આઉટ કર્યો. એ જ ઓવરમાં યાદવે ટિમ સાઉથીને ઝીરો રને બોલ્ડ કર્યો હતો.
ભારતે પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા બાદ ન્યૂઝિલેન્ડને પ્રથમ ઇનિંગમાં 62 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગ 7 વિકેટે 276 રન પર ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં પણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો આસાનીથી બેટિંગ કરી શક્યા ન હતા. ભારત તરફથી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 27 રનમાં ત્રણ અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલે 42 રનમાં એક વિકેટ લીધી હતી.