ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો પહેલો દિવસ સાઉથ આફ્રિકાના નામે રહ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસે જ ટીમ ઇન્ડિયા 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકન ટીમે 1 વિકેટના નુકસાને 17 રન કર્યા છે.
આ અગાઉ કોહલી સિવાય એકપણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. કેપ્ટન કોહલીએ 201 બોલમાં 79 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન કોહલીએ દરેક બેટર સાથે સારી પાર્ટનરશિપ નોંધાવી હતી. વિરાટ કોહલીએ ચેતેશ્વર પુજારા સાથે 153 બોલમાં 62 રન કર્યા હતા. રહાણે સાથે 21 રન, રિષભ પંત સાથે 51 રન, અશ્વિન સાથે 8 રનની પાર્ટનરશિપ કરી હતી.
ટીમ ઈન્ડિયાને કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો અને બંનેએ 31 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 12 રન, મયંક અગ્રવાલ 15 રન બનાવી આઉટ થયા હતા. બાદમાં ચેતેશ્વર પુજારા 77 બોલમાં 43 રન બનાવી જાનસેનની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ રહાણે 9 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. રિષભ પંત 27 રન બનાવી જાનસેનની ઓવરમાં આઉટ થયો હતો. અશ્વિન માત્ર બે રન બનાવી આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુર 12 રને કેશવ મહારાજનો શિકાર બન્યો હતો. બુમરાહને રબાડાએ આઉટ કર્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 79 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી રબાડાએ ચાર, જાનસેને ત્રણ, ઓલિવિર એનગિડી અને મહારાજને એક-એક વિકેટ મળી હતી.