ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની પહેલાં પાકિસ્તાન અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે કારમી હારબાદ ટીકાઓનો વરસાદ થઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ પર દેશના અનેક ચાહકોની આશા હતી, પરંતુ ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનબાદ ચાહકો ખૂબ નિરાશ થયા છે. નિરાશ થયેલા ભારતીય ચાહકો પોતાનો ગુસ્સો ભારતીય ટીમ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર નિકાળી રહ્યા છે. ત્યારે હાલમાં એક ચાહકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડકપમાં ભારતની સતત બીજી હાર બાદ ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ દ્વારા કેપ્ટન વિરાટ કોહલીને નિશાનો બનાવાય રહ્યો છે, પરંતુ હદ તો ત્યારે પાર થઇ ગઇ જ્યારે વિરાટ કોહલીના પરિવાર અને તેની દીકરીને નિશાનો બનાવાયો. આ અંગે હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઇંજમામ ઉલ હક પણ નારાજ થઇ ગયા છે. ઇંજમામ ઉલ હકે પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પર કહ્યું કે, હાર બાદ વિરાટ કોહલીની દીકરીને લઇ ધમકીઓ મળી રહી છે. આ એક રમત છે, આ પ્રકારની ધમકીઓ આપવી તદ્દન ખોટૂં છે. જો તમારે વિરાટ કોહલીની કેપ્ટનશીપ, બેટિંગ પસંદ નથી આવી તો તેને કહી શકો છો પરંતુ તેના પરિવાર વિશે આવું કંઇ કહેવું ન જોઇએ. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને કહ્યું કે, રમતને માત્ર રમત જ રહેવા દો. આ પ્રકારે કોઇના પર અંગત હુમલો ના કરો. દરેકને દુ:ખ થયુ હશે કે ભારત મુશ્કેલીથી સેમી ફાઇનલમાં પહોંચી શક્શે. પરંતુ હારને પણ યોગ્ય રીતે કબૂલ કરવી જોઇએ.
જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હાર બાદથી જ કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને કેટલાક યૂઝર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડકપમાં સતત બે મેચ હારી ગઇ છે. આવામાં ભારતના સેમી ફાઇનલમાં પહોંચવાના ચાન્સ ખુબ જ ઓછા છે. માટે હવે દરેકના નિશાના પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જ છે.