અમેરિકા અને રશિયાની સેન્ટ્રલ બેંકો કરતાં પણ ભારતીય મહિલાઓ પાસે વધુ સોનું હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વની મહાસત્તા સમાન અમેરિકા અને રશિયા જેવાં 8 દિગ્ગજ દેશોની સેન્ટ્રલ બેંકો કરતાં પણ ભારતીય મહિલાઓ પાસે વધુ સોનું છે. ભારતીય મહિલાઓ પાસે 22 હજાર 500 ટન સોનું ઘરમાં છે. જેની કિંમત 107 લાખ કરોડ રૂપિયા છે. અર્થાશાસ્ત્રીઓના મતે ભારતીય મહિલાઓ પાસે રહેલું સોનું દેશની કુલ જીડીપીના 45 ટકા જેટલું છે. 2021-22માં ભારતની જીડીપી 232.15 લાખ કરોડ રૂપિયા હતી. જેની સરખામણીએ 45 ટકા થાય.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની માહિતી પર એક નજર કરીએ તો ધ્યાને આવે કે અમેરિકાની સેન્ટ્રલ બેંક પાસે 8133.47 ટન સોનું રિઝર્વ છે. બીજા નંબરે જર્મની પાસે 3358.50 ટન, રશિયા પાસે 2301.64 ટન અને ચીન પાસે 1948.31 ટન સોનું છે અને ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે 760. 40 ટન સોનાનો ભંડાર છે. જો કે ભારતમાં સોનાની જેટલી જરૂરીયાત છે તેટલું સોનાનું ઉત્પાદન થતું નથી આથી સોનાની આયાત કરે છે. 2020માં ભારતમાં 1.6 ટન સોનાનું ઉત્પાદન થયું હતું જયારે 651.24 ટન આયાત કરવું પડયું હતું. ચીન પછી દુનિયામાં સૌથી વધુ સોનાની માંગ ભારત ધરાવે છે.