નવી દિલ્હીઃ એક્ટ્રેસ મોડલ હરનાઝ સંધૂએ સોમવારે ઇતિહાસ રચી દીધો છે. સંધૂએ મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ જીત્યો હતો. 80 દેશનાં સ્પર્ધકોને પછાડતા 21 વર્ષ બાદ ભારતે આ ખિતાબ પોતાનાં નામે કર્યો છે. સંધૂ પહેલાં ફક્ત બે ભારતીયો વર્ષ 1994માં સુષ્મિતા સેન અને વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યૂનિવર્સનો તાજ જીત્યો હતો.
70માં મિસ યૂનિવર્સ કોમ્પિટિશનનું આયોજન ઇઝરાયલનાં ઇલિયટમાં થયું હતું. જ્યાં 21 વર્ષની હરનાઝે આ તાજ જીત્યો હતો. ચંદીગઢની રેહવાસી મોડલ જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમએ ભણી છે. અંતિમ પ્રશ્નનો ઉત્તર આપતા સમયે સંધૂને પૂછવામાં આવ્યું હતું કે યુવા મહિલાઓને શું સલાહ આપવા માંગશે કે તેઓ જે દબાણ અનુભવે છે તેનાંથી કેવી રીતે બચે.
જેના જવાબમાં સંધૂએ કહ્યું કે ‘આજનાં યુવા જે સૌથી મોટા દબાણનો સામનો કરે છે તે છે પોતાનાં પર વિશ્વાસ કરવો. ખુદની સરખામણી બીજા સાથે કરવાની બંધ કરો. અને દુનિયા ભરમાં થઇ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો અંગે વાત કરો. પોતાનાં માટે અવાજ ઉઠાવો. મને પોતાનામાં વિશ્વાસ હતો એટલે હું આજે અહીં ઉભી છું.’
સંધૂએ વર્ષ 2017માં ટાઇમ્સ ફ્રેશ ફેસ એવોર્ડ જીત્યો હતો. 17 વર્ષની ઉંમરમાં ચંદીગઢનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. બાદમાં તેણે LIVA મિસ ડિવા યૂનિવર્સ 2021નું ટાઇટલ જીત્યું હતું.