ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા ઓક્શન પહેલા બે નવી ટીમોએ પોતપોતાના ડ્રાફ્ટ્સ જાહેર કર્યા છે. આ વખતે અમદાવાદ અને લખનઉની ટીમો પહેલીવાર IPLમાં ભાગ લઈ રહી છે, બંને ટીમો દ્વારા તેમના ત્રણ ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. હાર્દિક સિવાય રાશિદ ખાન અને શુભમન ગિલને પણ અમદાવાદે પસંદ કર્યા છે. હાર્દિક પંડ્યાને 15 કરોડ, રાશિદ ખાનને 15 અને શુભમન ગિલને આઠ કરોડ રૂપિયા ખરીદાયા છે.
નોંધનીય છે કે IPL 2022માં કુલ દસ ટીમો ભાગ લઈ રહી છે, જૂની આઠ ટીમોને ખેલાડીઓને જાળવી રાખવાની તક મળી છે. જ્યારે અમદાવાદ, લખનઉને મેગા ઓક્શન પહેલા ત્રણ-ત્રણ ખેલાડીઓ ઉમેરવાની તક મળી હતી.
મેગા ઓક્શન માટે અમદાવાદના પર્સમાં પણ 90 કરોડ રૂપિયા હતા જેમાંથી તેણે આ ત્રણ ખેલાડીઓને ખરીદવામાં 38 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આવી સ્થિતિમાં હવે અમદાવાદ પાસે હરાજી માટે 52 કરોડ રૂપિયા બાકી છે.
તમને જણાવી દઈએ કે IPL 2022ની મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લોરમાં યોજાશે. જો કે, ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી હરાજીની તારીખો જાહેર કરી નથી, પરંતુ બોર્ડની નજીકના સૂત્રોએ હરાજીની તારીખો પર મહોર મારી છે.