IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તમામ વિવાદ વચ્ચે અમદાવાદની ટીમને મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઇએ સોમવારે અમદાવાદને લેટર ઓફ ઇન્ટેન્ટ સોપ્યુ હતુ, જે બાદ હવે મેગા ઓક્શનનો રસ્તો પણ સાફ થઇ ગયો છે.
આ વખતે આઇપીએલમાં 2 નવી ટીમ જોડાઇ રહી છે, જેમાં લખનઉં અને અમદાવાદ સામેલ છે. લખનઉં સાથે કોઇ તકલીફ નહતી પરંતુ અમદાવાદ ટીમને ખરીદનારા સીવીસી ગ્રુપના સટ્ટા લગાવનારી કંપનીઓ સાથે સબંધ હોવાની વાત સામે આવી હતી. જે બાદ બીસીસીઆઇએ એક કમિટીની રચના કરી હતી, જે પોતાનો રિપોર્ટ સોપી ચુકી છે.
અમદાવાદ ટીમને સીવીસી ગ્રુપે કુલ 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે લખનઉં ટીમને આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે 7090 કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે જ્યારે બન્ને ટીમોને લેટર ઓફ ઇન્ટેન્ટ મળી ગયુ છે તો જલ્દી ટીમ પોત પોતાના ત્રણ-ત્રણ ખેલાડીઓની યાદી સોપી શકે છે.
કોણ બનશે નવી ટીમનો કેપ્ટન?
માનવામાં આવી રહ્યુ છે કે મુંબઇ ઇન્ડિયન્સે રિલીઝ કરેલા હાર્દિક પંડયાને અમદાવાદ ટીમની કમાન મળી શકે છે. હાર્દિક પંડ્યા ખરાબ ફોર્મને કારણે ટીમની બહાર છે અને અત્યારે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા પહેલા શ્રેયસ અય્યર પણ અમદાવાદ ટીમના કેપ્ટન બનવાની અટકળો લગાવવામાં આવતી હતી. જોકે, હજુ સુધી કઇ કન્ફોર્મ નથી. હાર્દિક પંડ્યાની સાથે રાશિદ ખાન પણ અમદાવાદની ટીમ સાથે જોડાઇ શકે છે.
જ્યારે પૂર્વ ક્રિકેટર આશીષ નેહરા અને રવિ શાસ્ત્રીમાંથી કોઇ એક ટીમના મુખ્ય કોચ હોઇ શકે છે. ભારતને 2011 વર્લ્ડકપ જીતાડનારા ગુરૂ ગેરી કસ્ટર્ન મેન્ટર તરીકે અમદાવાદ ટીમ સાથે જોડાઇ શકે છે.