નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન બ્રાયન લારા અને સાઉથ આફ્રિકાના ઘાતક બોલર રહેલા ડેલ સ્ટેઇન આઇપીએલમાં જોડાયા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે લારાને બેટિંગ કોચ અને સ્ટેઇનને બોલિંગ કોચ બનાવ્યા છે. ટોમ મૂડી ટીમના હેડ કોચ તરીકેની જવાબદારી નિભાવશે. ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 400 રન ફટકારનાર લારાને સનરાઇઝર્સ હૈદરાબાદે રણનીતિક સલાહકાર પણ બનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન સિમોન કેટિચ સહાયક કોચની ભૂમિકા નિભાવશે. તે સિવાય પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાની ફિલ્ડિંગ કોચ અને સ્કાઉટની બેવડી ભૂમિકા નિભાવશે. તે સિવાય મુથૈયા મુરલીધરન અગાઉથી જ ટીમના સ્પિનર કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે.
લારાએ વેસ્ટ ઇન્ડિઝ તરફથી 133 ટેસ્ટ, 299 વન-ડે રમી છે. ટેસ્ટમાં તેણે 34 સદી અને 48 અડધી સદી સાથે 11953 રન બનાવ્યા છે. તે સિવાય વન-ડેમાં તેણે 19 સદીની મદદથી 10405 રન બનાવ્યા છે. લારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઇનિંગમાં 501 રન ફટકાર્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં લારાના નામે નવ બેવડી સદી નોંધાયેલી છે જેમાં ત્રણ ત્રેવડી સદી છે. લારાએ ઇગ્લેન્ડ વિરુદ્ધ 1994માં 375 અને વર્ષ 2004માં 400 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઝડપી બોલર ડેલ સ્ટેઇને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 699 વિકેટ હાંસલ કરી છે. આ દિગ્ગજ ખેલાડીએ 93 ટેસ્ટમાં 435, 125 વન-ડેમાં 196 અને 43 ટી-20માં 64 વિકેટ ઝડપી છે.