ભારતના વર્લ્ડકપ વિનિંગ કોચ ગેરી કસ્ટર્ન આઇપીએલ 2022માં વાપસી કરવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગેરી કસ્ટર્નને આઇપીએલમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીના હેડ કોચ બનાવવામાં આવી શકે છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશીષ નેહરા પણ અમદાવાદ ફ્રેન્ચાઇઝીના સપોર્ટ સ્ટાફમાં સામેલ થઇ શકે છે.
ગેરી કર્સ્ટન વિશ્વના સૌથી પ્રભાવશાળી કોચમાંથી એક રહ્યા છે, તેમણે એક વખત ફરીથી આઇપીએલ ફ્રેન્ચાઇઝીના કોચિંગ સ્ટાફનો ભાગ બનવાની પુરી સંભાવના છે. દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ બેટ્સમેન આ પહેલા દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (આરસીબી)ના હેડ કોચ રહી ચુક્યા છે.
ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ ગેરી કર્સ્ટન અમદાવાદ ટીમના સપોર્ટ સ્ટાફનો ભાગ બનવાની રેસમાં છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરા પણ તેમની સાથે જોડાઇ શકે છે. આ બન્ને આરસીબી ફ્રેન્ચાઇઝીના કોચિંગ સ્ટાફનો ભાગ રહી ચુક્યા છે. ભારતે કર્સ્ટનના હેડ કોચ રહેતા 2011માં 28 વર્ષ પછી વર્લ્ડકપ જીત્યો હતો, તે સમયે નેહરા પણ વર્લ્ડકપ વિનિંગ ટીમનો ભાગ હતો.
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ કે ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી વિક્રમ સોલંકી પણ અમદાવાદના કોચિંગ સ્ટાફમાં સામેલ થઇ શકે છે. આ પહેલા એવા સમાચાર હતા કે સીવીસીના સ્વામિત્વ ધરાવતી અમદાવાદ ફ્રેન્ચાઇઝી ભારતીય કોચ સાથે પણ વાતચીત કરી રહી હતી. જેમાં રવિ શાસ્ત્રી, ભરત અરૂણ અને આર શ્રીધર સામેલ છે. જે કેટલાક દિવસ પહેલા સુધી ભારતના કોચિંગ સ્ટાફનો ભાગ હતા.
અમદાવાદ ફ્રેન્ચાઇઝીના કોચિંગ સ્ટાફ વિશે અંતિમ નિર્ણય સીવીસી કેપિટલ્સને બીસીસીઆઇ પાસેથી મંજૂરી મળ્યા બાદ જ લેવાની આશા છે. જોકે, જલ્દી તેને બોર્ડ પાસેથી લીલી ઝંડી મળવાની છે. ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં એજીએમ દરમિયાન બીસીસીઆઇના અધિકારીઓને જણાવ્યુ હતુ કે તેમણે પોતાના એશિયન ફંડમાંથી આઇપીએલમાં રોકાણ કર્યુ છે. બધુ નક્કી થઇ ચુક્યુ છે અને ફ્રેન્ચાઇઝી સમજૂતિ પર સાઇન થવાની રાહ જોઇ રહી છે.