નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ વધતા આઇપીએલના મેગા ઓક્શનની તારીખ અને સ્થળમાં ફેરફાર કરવામાં આવી શકે છે. બીસીસીઆઇના એક સૂત્રએ આ જાણકારી આપી હતી. નવા વર્ષે કોરોનાના કેસમાં વધારો થતા BCCIએ તાજેતરમાં જ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની સાથે સીકે નાયડૂ ટ્રોફી અને સીનિયર મહિલા T-20 લીગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. તેવામાં હવે મીડિયા રિપોર્ટ્સના આધારે IPL મેગા ઓક્શનની તારીખોમાં પણ ફેરફાર થઈ શકે છે.
IPL મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગ્લોરમાં આયોજિત થવાનું છે, પરંતુ કોરોનાના વધતા જતા કેસને જોતા BCCI સામે મોટો પડકાર ઊભો થશે. મીડિયા રિપોર્ટ અનુસાર બોર્ડ મેગા ઓક્શનની તારીખો તથા સ્થળ બદલી શકે છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે અમે કોરોનાની સ્થિતિ પ્રમાણે આગળ વધીશું. અત્યારે હજુ સુધી તારીખ અને સ્થળ નક્કી જ છે પરંતુ સરકારની માર્ગદર્શિકા પ્રમાણે જો તેમાં કંઈ ફેરફાર કરવાની જરૂર જણાશે તો અમે કરીશું. અમારો પ્લાન-B પણ નિશ્ચિત જ છે. જ્યારે ઓક્શનની તારીખો નજીક આવશે તેમ અમે સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ વધારે કરીશું. તેવામાં જો જરૂર જણાશે તો અમે શોર્ટ નોટિસ આપી ઓક્શનનું સ્થળ બદલી દઈશું.
નોંધનીય છે કે IPLની 15મી સિઝનમાં 10 ટીમો સામેલ થશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે તે સિવાય CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.