જામનગર ના એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા એક ડ્રાઈવર કંડકટરે પ્રમાણિકતા દાખવી ને બે લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ તેના મૂળ માલિકને શોધીને પરત કરી છે. તે જ રીતે જામનગરના ટ્રાફિક બ્રિગેડના બે જવાનોએ પણ સોનાના દાગીના ભરેલી બેગ તેના મૂળ માલિકને શોધીને પરત કરી દઇ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધ્રોલ ના એસટી ડેપોમાંથી ગઈકાલે બપોરે જામનગર તરફ જતી બસમાં મુસાફરી કરી રહેલા બે પ્રવાસીઓ કે જેઓ ફલ્લા ગામે ઉતરી ગયા હતા. અને તેઓ પોતાની બેગ બસમાં ભૂલી ગયા હતા.જેના પર કંડકટર મકબુલ એમ. સંઘાર ની નજર પડતાં તેમણે તરત જ એસટી બસના ડ્રાઈવર ડી.એલ. બાબરીયા ને જાણ કરી હતી, અને તેઓએ જામનગર ના એસ.ટી.ડેપોમાં ટ્રાફિક અધિકારી અશોકસિંહ નો સંપર્ક સાધીને મુસાફરને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન બેગ ના માલિક પોતાનું બેગ શોધતા-શોધતા જામનગરના એસ.ટી ડેપો પર આવી પહોંચ્યા હતા, અને તેના સામાન ની ખરાઈ કરતાં અંદર બે લાખ રૂપીયાની કિંમતના સોનાના દાગીના હોવાનું જણાવ્યું હતું.જેની ખરાઇ કરતાં વર્ણન મુજબ ની વસ્તુઓ બેગ માંથી મળી આવી હોવાથી એસટીનાં ડ્રાઇવર-કંડકટર તેમજ કંટ્રોલીંગ અધિકારી ની હાજરીમાં મૂળમાલિકને પરત સોંપી દઈ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આજ રીતે પ્રમાણિકતાનું બીજું ઉદાહરણ જામનગરમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા પણ દર્શાવાયું હતું. જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાનો નિખિલ પરમાર તથા વિરમ કાટોડીયા, કે જેઓને એક બેગ મળી હતી. જે બેગ ની તપાસણી કરતાં અંદર ૮૦ હજાર રૂપીયાની કિંમતના સોનાના અને ચાંદીના દાગીના જોવા મળ્યા હતા.જેથી ટ્રાફિક શાખા ની ઓફિસે પી.એસ.આઈ.એલ.આર. ગોહિલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, અને તેના પણ મૂળ માલિકને શોધી લેવાયા હતા. જે જામનગરના ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા નામના વ્યક્તિની હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને તેઓને પોલીસ મથકે બોલાવી લઈ પરત સોંપી દીધું હતું, અને પૌરાણિક પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.