નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓપનર અને દિગ્ગજ ખેલાડી લોકેશ રાહુલ ઇજાના કારણે સીરિઝમાંથી આઉટ થઇ ગયો છે. નોંધનીય છે કે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે લોકેશ રાહુલના જમણા પગની માંસપેશીઓમાં ખેચાણ અનુભવવાના કારણે તે શ્રેણીમાં રમી નહીં શકે. કે.એલ. રાહુલની જગ્યાએ સૂર્યા કુમાર યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કે.એલ. રાહુલને ટી-20 સિરીઝની અંતિમ મેચમાં પણ આરામ આપવામાં આવ્યો હતો.
કાનપુરની પીચ અંગે ભારત અને ન્યૂઝીલેન્ડે ફરિયાદ કરી છે. રહાણે અને રાહુલ દ્રવિડે પિચ ક્યૂરેટર પ્રશાંત રાવ સાથે વાત કરી અને પીચમાં સુધારો કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડ પણ આ પીચ જોવા માટે પહોંચ્યા હતા અને તેમણે પણ પીચના બાઉન્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.રાહુલ અને રોહિત શર્માની ગેરહાજરીમાં મયંક અગ્રવાલની સાથે શુભમન ગીલ અથવા તો શ્રેયસ અય્યરને ઓપનિંગમાં ઉતારી શકાય છે.