ભારતીય ટીમ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે ટી-20 વર્લ્ડકપમાં પોતાની બીજી મેચ રમશે. સેમી ફાઇનલમાં પહોંચવા માટે ભારતે ન્યૂઝીલેન્ડ સામે મેચ જીતવી ફરજિયાત છે. ભારત અને ન્યૂઝિલેન્ડ માટે કરો યા મરોનો મુકાબલો રહેશે. પાકિસ્તાન સામે ગત રવિવારે રમાયેલા મુકાબલામાં ભારતની હાર બાદ મોહમ્મદ શમીને કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર નિશાન બનાવ્યો હતો. જેને લઈ હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીનું મોટું નિવેદન સામે આવ્યું છે. શમીને નિશાન બનાવવા પર ક્રિકેટ જગતના તમામ દિગ્ગ્જોએ તેનું સમર્થન કર્યુ હતું.
મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોહલીએ કહ્યું, અમારું ધ્યાન મેચ પર છે, બહારના ડ્રામા પર નહીં. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પોતાની ઓળખ છુપાવીને આવી હરકત કરે છે, આજના સમયમાં આ સામાન્ય વાત છે. પરંતુ અમે ડ્રેસિંગ રૂમમાં સારો માહોલ રાખીએ છીએ. તેણે કહ્યું, કોઈપણ વ્યક્તિને ધર્મના આધારે નિશાન બનાવવો ખોટી વાત છે. મેં આજ સુધી કોઈ વ્યક્તિ સાથે આવો વ્યવહારર કર્યો નથી. કોહલીએ આગળ કહ્યું, મોહમ્મદ શમીની રમતમાં જો કોઈને પેશન નજરે પડતી ન હોય તો હું તે લોકોને લઈ સમય બરબાદ કરવા નથી માંગતો.
પાકિસ્તાન સામે હાર બાદ ટ્રોલર્સના નિશાને મોહમ્મદ શમી આવ્યો હતો. શમીને ટ્રોલ કરવામાં આવ્યા બાદ ભારતના દિગ્ગજ ક્રિકેટરો અને ખુદ બીસીસીઆઈ તેના સમર્થનમાં આવ્યા છે.