ગાઝિયાબાદના કૈલાભઠ્ઠામાં નકલી નોટ છાપનારા જૂથનો ક્રાઇમ બ્રાંચે ખુલાસો કર્યો છે. આ ગ્રુપ આઠ મહિનામાં 17 લાખ રૂપિયાની નકલી નોટ છાપી ચુક્યુ છે. આ ગ્રુપના સભ્ય 11 લાખ રૂપિયાની નકલી નોટ બજારમાં મુકી ચુક્યા છે.
નકલી નોટ બનાવવાનું કામ કૈલાભઠ્ઠામાં એક ઘરમાં ચાલતુ હતુ. પોલીસે રેડ કરીને સાત લોકોની ધરપકડ કરી છે અને 6 લાખ 59 હજારની નકલી નોટ જપ્ત કરી છે. ગ્રુપના સભ્ય યૂ ટ્યુબ પરથી શીખીને નકલી નોટ બનાવી રહ્યા હતા.
ગુપ્ત જાણકારી પર પોલીસની ટીમના એક સભ્યએ ઘટનાસ્થળે પહોચીને નકલી નોટ લેવાનો સોદો કર્યો હતો. જ્યાથી આ ગ્રુપનો ખુલાસો થયો હતો. ચમન કોલોનીનો આઝાદ ગ્રુપનો વડો છે. નોટ છાપકામનું કામ કૈલાભઠ્ઠાના યૂનુસના ઘરમાં ચાલતુ હતુ. જ્યા આઝાદ, સોનૂ ગંજા અને યુનૂસ નોટનું છાપકામ અને ફિનિશિંગ કરતા હતા.
અમન અને આલમ ઉર્ફ આશીષ નકલી નોટ સપ્લાયર લાવતા હતા, જે બજારમાં જઇને વેચતા હતા. પોલીસે કાલકા ગઢીના અમન, રાજ કંપાઉન્ડ લાલ કુઆંના આલમ, કૈલા ભઠ્ઠાના રહબર, કૈલાશનગરના ફુરકાન, ચમન કોલોનીના આઝાદ, કૈલાભઠ્ઠાના મો. યુનૂસ અને સોનૂ ઉર્ફ ગંજાની ધરપકડ કરી છે.
તેમની પાસેથી 2000 હજાર રૂપિયાના 132 નોટ, 500 રૂપિયાની 200 નોટ, 200 રૂપિયાની 540 નોટ, 100 રૂપિયાની 106 નોટ, બે પ્રિન્ટર, ત્રણ કટર, બે ફર્મા, કાગળના ત્રણ બંડલ જપ્ત કર્યા છે.
એક અસલના બદલે ત્રણ નકલી નોટ પર થતો હતો સોદો
પોલીસે જણાવ્યુ કે આઝાદ એક અસલી નોટના બદલામાં ત્રણ નકલ નોટ આપતો હતો. જેની સપ્લાય અમન અને આલામ ઉર્ફ આશીષ રહબર કરતો હતો. સપ્લાય માટે અમન અને આલમ પોતાના 20 ટકા કમીશન લેતા હતા.
પેટ્રોલ પંપ પર નોટ ખોલાવવા દરમિયાન આવ્યો વિચાર
આઝાદે જણાવ્યુ કે કેટલાક મહિના પહેલા એક પેટ્રોલ પંપ પર એક વ્યક્તિએ તેમની પાસેથી કેટલીક નોટ છુટ્ટા માટે તોડાવી હતી. તે નોટમાં કેટલીક નકલી હતી. આઝાદે જોયુ કે પેટ્રોલ પંપ પર નકલી નોટ ચાલી ગઇ હતી. અહીથી તેમણે નકલી નોટ છાપવાનો વિચાર કર્યો હતો.
મિત્ર સાથે મળીને બનાવી યોજના
આઝાદે જણાવ્યુ કે તે એક લગ્નમાં મિત્ર યુનૂસને મળ્યો હતો. જ્યા આઝાદે આ કામ વિશે વાત કરી હતી. બન્નેએ મળીને યૂ ટ્યુબ અને અન્ય જગ્યાએથી જાણકારી મેળવી ટ્રેનિંગ લઇને નકલી નોટ છાપવાનું કામ શરૂ કર્યુ હતુ.