ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના One8 Commune રેસ્ટોરન્ટ પર સમલૈંગિક લોકોને પ્રવેશ ન આપવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયાના યુઝર્સે કોહલીની ખૂબ ટીકા કરી રહ્યા છે. જોકે આ બાબતે જ્યારે મીડિયાએ રેસ્ટોરન્ટનો સંપર્ક કર્યો ત્યારે એની પુણે બ્રાન્ચે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ વાત સંપૂર્ણ રીતે પાયાવિહોણી છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની આ રેસ્ટોરન્ટની બ્રાન્ચ પુણે, દિલ્હી અને કોલકાતામાં છે.
યસ, વી એક્ઝિસ્ટ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી, એમાં કહેવામાં આવ્યું છે કે LGBTQ+ મહેમાનોને વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં નો-એન્ટ્રી…વિરાટ કોહલી પુણે, દિલ્હી અને કોલકાતામાં One8 Communeના નામથી રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમના ઝોમેટા લિસ્ટિંગમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેગ માટે રેસ્ટોરન્ટમાં એન્ટ્રી નથી.
પોસ્ટમાં વધુમાં લખવામાં આવ્યું છે કે અમે 2 સપ્તાહ પહેલાં જ તેમને મેસેજ કર્યો. તેનો કોઈ જવાબ આવ્યો નથી. અમે રેસ્ટોરન્ટની પુણે બ્રાન્ચનો પણ સંપર્ક કર્યો, તેમણે ફોન પર જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટમાં માત્ર વિષમલિંગી, વિષમલિંગી કપલ કે વિષમલિંગી મહિલાઓના ગ્રુપને જ એન્ટ્રી છે. સમલૈંગિક કપલ કે સમલૈંગિક પુરુષોના ગ્રુપોને એન્ટ્રી નથી.
વિનિય તિવારીએ Vini નામથી એકાઉન્ટ બનાવ્યું છે. તેણે ટ્વીટ કરી કહ્યું છે કે તમે વિરાટ કોહલી પાસેથી બીજી શું આશા રાખી શકો છો? વિરાટ માત્ર ભાષણોમાં પ્રગતિશીલ છે, અમલ કરવામાં નહિ. શું વિરાટ અને અનુષ્કા આ હોમોફોબિક નિર્ણય અંગે કંઈક કહેશે?
આ અંગે One8 Commune રેસ્ટોરન્ટની પુણે બ્રાન્ચે સમલૈંગિક લોકો સાથે ભેદભાવ અને એન્ટ્રી ન આપવાની વાતને ઠુકરાવી હતી અને આ માહિતી ખોટી હોવાનું કહ્યું છે.