નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના માર્જિનલ કોસ્ટ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં 0.1 ટકાનો વધારો કર્યો છે. આ પગલાથી લોન લેનારાઓ માટે EMI વધશે. દેશની સૌથી મોટી બેંકે એક મહિનામાં બીજી વખત MCLR વધાર્યો છે અને બંને વખત મળીને અત્યાર સુધીમાં 0.2 ટકાનો વધારો થયો છે.
આ મહિનાની શરૂઆતમાં ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યો હતો. આ પછી SBIએ આમાં વધારો કર્યો હતો. SBI દ્વારા ધિરાણ દરમાં સુધારો કર્યા પછી, એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં અન્ય બેંકો પણ આવું જ કરશે. આ વધારા સાથે જે ગ્રાહકોએ MCLR પર લોન લીધી છે તેમની EMI વધશે, જોકે અન્ય પરિમાણો સાથે જોડાયેલી લોનની EMI વધશે નહીં.
એસબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સંશોધિત MCLR દર 15 મેથી લાગુ થશે. આ સુધારા બાદ એક વર્ષનો MCLR 7.10 ટકાથી વધીને 7.20 ટકા થઈ ગયો છે. મોટાભાગની લોન એક વર્ષના MCLR દર સાથે જોડાયેલી છે. એક રાત, એક મહિના અને ત્રણ મહિનાનો MCLR 0.10 ટકા વધીને 6.85 ટકા થયો છે, જ્યારે છ મહિનાનો MCLR વધીને 7.15 ટકા થયો છે.