ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે માણિક સાહાએ રવિવારે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સત્યદેવ નારાયણ રાયે માણિક સાહાને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરામાં પરોક્ષ રીતે સત્તા વિરોધી લહેર દૂર કરવા અને પાર્ટીના પદાધિકારીઓ વચ્ચે કોઈપણ પ્રકારનો અસંતોષ ન વ્યાપે તે માટે મુખ્યમંત્રી બદલ્યા છે. જો કે બીજેપીએ પહેલા પણ કેટલાય રાજ્યોમાં આ રણનિતિ અપનાવી હતી જે સફળ રહી છે. મહત્વનું છે કે ભાજપ 2019પછી ગુજરાત અને કર્ણાટક સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીઓ બદલી ચુકી છે.
ઉત્તરાખંડ વિધાનસભા ઈલેક્શનના થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીને બદલવામા આવ્યા હતા. બિપ્લવ કુમાર દેબે શનિવારે ત્રિપુરાના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યુ હતું. અને થોડા કલાકોની અંદર જ પાર્ટીએ ડો.માણિક સાહાને પોતાના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા.
માણિક સાહા 2016માં કોંગ્રેસ છોડી બીજેપીમાં શામેલ થયા હતા. પાર્ટીમાં તેમની બેદાગ છબી અને સતત વધી રહેલા પ્રભાવના કારણે પાર્ટીએ પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો. માણિક સાહા વ્યવસાયે એક ડેનિસ્ટ છે, મહત્વનું છે કે સાહા પૂર્વોત્તર કોંગ્રેસના એવા ચોથા નંબરના નેતા છે કે જે ભાજપમા જોડાયા બાદ સીએમ તરીકે પસંદ પામ્યા હોય. ત્રિપુરામાં આવતા વર્ષની શરૂઆતમાં ઈલેક્શન થવાના છે. ત્યારે હવે જોવુ એ રહે છે કે અન્ય રાજ્યોની જેમ ત્રિપુરામાં પણ ભાજપની આ સ્ટ્રેટજી કેટલી કારગત સાબિત થાય છે કે કેમ