સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દીકરીના આત્મહત્યાના કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઉત્તરાયણમાં બહેનપણીઓ સાથે ફરવા જવાની પિતાએ ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું મૃતક સગીરાએ આપઘાત કર્યો હતો. મૃતકના પિતાએ કહ્યું કે પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરી એ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું પરિવારે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રૂપેશ કુસવાહ (મૃતક સગીરાના પિતા) એ જણાવ્યું હતું કે, દીકરી ધોરણ-10 માં અભ્યાસ કરતી હતી. આજે મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે બપોરના ભોજન બાદ પરિવાર ઘર બહાર બેસવા ગયો હતો. 10 મિનિટ બાદ બાળકોની બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટરો એ મૃત જાહેર કરી હતી. ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી.