રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં માઇનસ 3 અને ગુરુશિખર પર માઇનસ 5 ડીગ્રી તાપમાન નોંધાતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર અન્ય રાજ્યમાં જોવા મળી રહી છે. ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી હતી. જેમાં શનિવારે લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું.
ડુંગરાળ વિસ્તારોમાં વહેતા નાળાઓમાં પણ થીજી ગયા હતા. હોટલ અને ઘરો પર લગાવવામાં આવેલ સોલાર હિટરની પાઇપોમાં પણ પાણી જામી ગયું હતું. આ વર્ષે શિયાળામાં પ્રથમવાર આવી કડકડતી ઠંડીના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ પણ આ સિઝનની મજા માણી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી માઉન્ટ આબુમાં ઠંડીનો જોરદાર પ્રકોપ જોવા મળી રહ્યો છે. અસહ્ય ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું.કોલ્ડ વેવની આગાહીના એક દિવસ બાદ જ નલિયામાં 3.8 ડિગ્રી નોંધાઇ હતી. ત્યારબાદ એક દિવસ તાપમાનમાં થોડો વધારો નોંધાઈ પારો 5.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો અને તેના બીજા જ દિવસે 2.5 ડિગ્રી સુધી પડ્યો હતો.