નવી દિલ્હી: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 8,084 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. 10 લોકોના મોત નોંધાયા છે, જેમાંથી 3 દિલ્હીમાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 47,995 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં તેમાં 3482 નો વધારો થયો છે.
સોમવારે 8,084 નવા દર્દીઓ મળ્યા તે પહેલા 10 જૂને કોરોનાના 8,328 નવા કેસ આવ્યા હતા. 11 જૂને આ સંખ્યા વધીને 8,582 થઈ ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનામાંથી રિકવરી રેટ 98.68 ટકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 4592 લોકોએ કોરોનાને હરાવ્યો છે. કેરળમાં સૌથી વધુ 1471 લોકો સાજા થયા છે. તે પછી મહારાષ્ટ્રમાં 1432, દિલ્હીમાં 537 અને હરિયાણામાં 235 સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 4,26,57,335 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી છે.
આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 10 મૃત્યુમાંથી, 3 એવા છે, જે ભૂતકાળમાં કેરળમાં થયા હતા પરંતુ હવે તે રેકોર્ડ પર ચઢી ગયા છે. આ સિવાય દિલ્હીમાં 3, મહારાષ્ટ્રમાં 2 અને મિઝોરમ અને પંજાબમાં 1-1નું કોરોનાને કારણે મોત થયું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 5,24,771 લોકોના મોત થયા છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,49,418 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 85.51 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રસીકરણની વાત કરીએ તો, છેલ્લા એક દિવસમાં 11,77,146 રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 1,95,19,81,150 ડોઝ આપવામાં આવ્યા છે.