ગુજરાત દિવસેને દિવસે ક્રાઇમ સિટી બનતી જઇ રહી છે, ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. આ મામલે મહેસાણા પોલીસે 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુરમાં રહેતી હતી. માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ હત્યા કરી હતી. ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભૂમિ અને તેનો પરિવાર અગાઉ ચાણસ્મા ખાતે રહેતો હતો. તે વખતે આ પરિવારની પાડોશમાં રહેતો પરેશ જોશી નામના 34 વર્ષીય વ્યક્તિ કિશોરીની માતા કામિની જાટના સંપર્કમાં આવ્યો હતો. અને તે દરમિયાન કિશોરીની માતા અને પરેશ જોશી વચ્ચે પ્રેમ સંબધ બંધાયો હતો. દરમિયાન કિશોરીની માતા અને પરેશ જોશી સિદ્ધપુર ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા. અને કિશોરી ભૂમિ પણ તેમની સાથે સિદ્ધપુર રહેવા આવી હતી. પણ પહેલેથી પોતાની માતાના પ્રેમનો વિરોધ કરતી ભૂમિને માતાના રંગ રેલિયા પસંદ ન હોવાથી તે સતત વિરોધ કરતી હતી. આ વિરોધને કારણે પરેશ જોશીએ ભૂમિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. અને યોજના મુજબ 29 નવેમ્બરના રોજ પરેશ ભૂમિને લઈને મહેસાણા ફરવા માટે લાવ્યો હતો. જ્યાં નુગર ગામ પાસે ભૂમિના માથામાં હથોડા ઝીંકી દઈ મોત નિપજાવી લાશ સળગાવી દીધી હતી. ત્યારબાદ પરેશ એકલો સિદ્ધપુર આવી ગયો હતો. અને ભૂમિને સિદ્ધપુર ચોકડી ઉપર ઉતાર્યા બાદ ઘરે પરત નહીં આવી હોવાની કહાની ઉભી કરી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ માટે પહોંચ્યો હતો. પણ પોલીસની પૂછપરછમાં પરેશનો ભાંડો ફૂટી ગયો હતો.