મધ્ય પ્રદેશની એક પંચાયતના લોકોએ સરપંચ અથવા ગ્રામ પ્રધાનને ચૂંટવા માટે અનોખી રીત અપનાવી હતી. અહી સરપંચ પદના ઉમેદવારની પસંદગી માટે હરાજીમાં બોલી લાગી છે. જેની પાછળ ગ્રામીણોનો તર્ક છે કે ઉમેદવાર વોટ જીતવા માટે પૈસાનો ખોટો ઉપયોગ નહી કરે. બોલીથી મળેલા પૈસાથી ગામનો વિકાસ થશે. સાથે જ ઉમેદવારો વચ્ચે ચૂંટણી માટે કોઇ સ્પર્ધા અથવા ટકરાવ ઉભો નહી થાય. મધ્ય પ્રદેશના અશોક નગર જિલ્લાના ભટૌલી ગ્રામ પંચાયતમાં આ અનોખી ચૂંટણી યોજાઇ હતી. આ ગામમાં સરપંચ પદના ચાર દાવેદાર હતા.
ઉમેદવારોની પસંદગી માટે બોલી 21 લાખ રૂપિયા સાથે શરૂ થઇ હતી. તે બાદ આ બોલી 43 લાખ સુધી પહોચી હતી. બાદમાં 44 લાખ રૂપિયાની બોલી લગાવ્યા બાદ એક ઉમેદવારને સરપંચ ચૂંટવામાં આવ્યો હતો. ઉમેદવારનું નામ સૌભાગ સિંહ યાદવ છે. જોકે, સ્થાનિક અધિકારીઓએ કહ્યુ છે કે પદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા સહિત યોગ્ય ચૂંટણી પ્રક્રિયાનું પાલન કરવુ પડશે.
હવે આ પંચાયતમાં કોઇ બીજો વ્યક્તિ સરપંચ પદ માટે ચૂંટણી નહી લડે. સૌભાગ સિંહ યાદવને એક મંદિરમાં યોજાયેલી બોલીમાં સર્વસમ્મતિથી ચૂંટવામાં આવ્યા હતા. ગ્રામીણોએ તેમનું માળા પહેરાવીને સ્વાગત કર્યુ હતુ અને પોતાનો નવો સરપંચ જાહેર કર્યો હતો. એવુ પણ નક્કી કરવામાં આવ્યુ કે પંચાયત ચૂંટણીમાં તેમના વિરૂદ્ધ કોઇ પણ ઉમેદવારી નહી નોંધાવે.
જો બોલી લગાવનાર ઉમેદવાર 44 લાખ રૂપિયા જમા કરવામાં નિષ્ફળ જાય છે તો તેના નજીકના સ્પર્ધક પર પદ માટે વિચાર થશે, જે ગ્રામ સમિતિનો ભાગ હતો. જોકે, સ્થાનિક અધિકારીઓએ કહ્યુ કે આ પ્રક્રિયાને માન્યતા આપવામાં નહી આવે. એક અધિકારીએ કહ્યુ, જે પણ ચૂંટણી લડશે, તેને ફોર્મ ભરવુ પડશે. જો સરપંચ પદ પર ફોર્મ આવે છે અને તે યોગ્ય છે તો તે જ વ્યક્તિને સરપંચ ચૂંટવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે મધ્ય પ્રદેશ પંચાયત ચૂંટણી માટે જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન થશે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી આરોપ લગાવ્યો છે કે શિવરાજ સિંહ ચૌહાણ સરકારે રાજ્યમાં આગામી પંચાયત ચૂંટણી માટે અનામત રોટેશન માપદંડોનું ઉલ્લંઘન કર્યુ છે.