‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તાએ દિવાળી પોતાના નવા ઘરમાં સેલિબ્રેટ કરી હતી. દિવાળી પર બબીતાએ પોતાના નવા ઘરની કેટલીક તસવીરો શૅર કરી હતી. હવે, બબીતાએ સો.મીડિયામાં ચાહકોને હોમ ટૂર કરાવી છે. માનવામાં આવે છે કે ફર્નિચર સહિત આ ઘરની કિંમત અઢીથી ત્રણ કરોડની વચ્ચે છે.
બબીતાએ હોમ ટૂર કરાવતી વખતે ઘર અંગે કેટલીક ખાસ વાતો પણ કહી હતી. મુનમુન દત્તાએ કહ્યું હતું કે તેણે આ ઘર જાતે જ ડિઝાઇન કર્યું છે. આટલું જ નહીં તેણે ઘરનું ફર્નીચર તૈયાર લીધું નથી, પણ બનાવડાવ્યું છે.વધુમાં મુનમુન દત્તાએ કહ્યું હતું કે તેના ઘરમાં ચાર સભ્યો રહે છે, જેમાં તે, તેના મમ્મી અને બે બિલાડીઓ (માઉ તથા કુકીઝ) રહે છે. મુનમુન દત્તાના ઘરમાં વ્હાઇટ, ગ્રે તથા ગોલ્ડન રંગનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. મુનમુન દત્તાએ કહ્યું હતું કે આ ઘર તેની મહેનતનું પરિણામ છે. તેને તેની પ્રાઇવસી ઘણી જ પસંદ છે અને તેની પ્રાઇવસીનો કોઈ ભંગ કરે તે વાત તેને બિલકુલ પસંદ નથી.