સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી સાથે પોર્ન વીડિયો જોઇને દુષ્કર્મ આચરનારા આરોપીને 29 દિવસમાં જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલો ઝડપી ચુકાદો આવ્યો છે.
પાંડેસરા-વડોદમાં મહિના પહેલા અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના કેસમાં 38 વર્ષીય આરોપી ગુડ્ડુ યાદવને સોમવારે કોર્ટે દોષી ઠેરવી ચુકાદો આજે મંગળવારે મુલતવી રાખ્યો હતો. આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતા કહ્યુ કે, આરોપીએ બાળકીની જ નહી ભારતના ભવિષ્યની હત્યા કરી છે.
આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’બોલી ઉઠયા હતા.