ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેના નિવેદનને લઇને રાજકારણ ગરમાઇ રહ્યુ છે. ગુજરાતમાં આવતા વર્ષે 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા જ નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. નરેશ પટેલના નિવેદન પર કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ પોતાનું નિવેદન આપ્યુ હતુ.
ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે કહ્યુ હતુ કે, “સમાજ જો મને કહેશે તો હું રાજકારણમાં આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી.” જગદીશ ઠાકોરે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપ્યુ છે. ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ભાજપ-કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પાટીદારોને રીઝવવાના પ્રયાસ કરી રહી છે.
ગુજરાતના રાજકારણમાં પાટીદાર
ગુજરાતમાં પાટીદારોની સૌથી વધુ મતદાર ધરાવતી 50 બેઠક છે. જેમાં વીસનગર, ઉંઝા, ગાંધીનગર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, જસદણ, ગોંડલ, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, સુરત, વરાઠા, કતારગામ, નડિયાદ, ડભોઇ અને કરજણ જેવી બેઠકોનો સમાવેશ થાય છે.