નવી દિલ્હીઃ ઓમિક્રોનને લીધે દુનિયાભરના દેશો કોરોનાના કેસ વધતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે ફ્રાંસમાં હવે કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. તેને હંગામી ધોરણે IHU નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વેરિયન્ટના સ્પાઈક પ્રોટીનમાં 46 મ્યુટેશન ધરાવે છે, જ્યારે ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં 37 મ્યૂટેશન જ હતા.
એક અભ્યાસ પ્રમાણે આ વેરિયન્ટનો પ્રથમ દર્દી એક વેક્સિન લીધેલ પુખ્ત વ્યક્તિ છે, જે કેમરુનના પ્રવાસથી ફ્રાંસ પરત ફર્યો હતો. કેમરુનથી પરત ફર્યાના 3 દિવસ બાદ તેને શ્વાસ લેવામાં સામાન્ય તકલીફ શરૂ થઈ ગઈ હતી. નવેમ્બરમાં તેના સેમ્પલ લેવામાં આવેલું, જેમાં કોરોના સંક્રમણ અંગે જાણ થઈ હતી. જોકે સંક્રમણ કે જે વેરિયન્ટથી આવ્યો હતો, તે અગાઉથી રહેલા ડેલ્ટા વેરિયન્ટની પેટર્ન સાથે મેળ ધરાવતો ન હતો. ત્યારબાદમાં મળેલા ઓમિક્રોન વેરિયન્ટથી પણ આ સેમ્પલ સાથે પણ કોઈ સમાનતા કે તાલમેલ જોવા મળતો ન હતો. ત્યારબાદ તેને નવા વેરિયન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
ફ્રાંસમાં આ વેરિયન્ટને IHU મેડિટેરિનિયન ઈન્ફેક્શન ઈન્સ્ટિટ્યુટના નિષ્ણાતોએ શોધ્યો છે. આ ફાઉન્ડેશનના નામ પર તેને IHU નામ આપવામાં આવ્યું છે. જીનોમ સિક્વેન્સિંગના આધારે કોરોનાનો આ નવો વેરિયન્ટ B.1.640.2 છે. જોકે, WHO તરફથી અત્યારે કોઈ સત્તાવાર નામ આપવામાં આવ્યું નથી.
વૈજ્ઞાનિકોના મતે આ વેરિયન્ટે ફ્રાંસમાં 12 લોકોને સંક્રમિત કર્યાં છે. ફ્રાંસના માર્સિયલ શહેરમાં IHU મેડિટેરિનિયન ઈન્ફેક્શન ઈન્સ્ટિટ્યુટના ફિલિપ કોલસને જણાવ્યું હતુ કે દક્ષિણ ફ્રાંસના એક જ સ્થળ પર રહેતા 12 કોરોના સંક્રમિતના નમૂનાને મ્યૂટેશનની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.