સાઉથ આફ્રિકામાં જોવા મળેલા કોરોના વાઇરસના નવા વેરિયન્ટના કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાના ફરી એક નવા વેરિયન્ટે લોકોને ડરાવી દીધા છે. આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટે અત્યારસુધીમાં 30 વખત સ્વરૂપ બદલી નાખ્યાં છે, તેથી એની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. હાલ આ વેરિયન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. આ વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા, બ્રિટન-યુકે-ઈઝરાયેલે સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે ભારતે સાઉથ આફ્રિકાથી આવનારા લોકો માટેના નિયમો કડક કર્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ અગાઉ ચેતવણી આપી હતી કે એક અંદાજ અનુસાર 53 દેશમાં આગામી કેટલાક મહિનામાં કોરોના વાઇરસની મહામારીને કારણે વધુ સાત લાખ લોકોનાં મોત થવાની શક્યતા છે. ભારતે પણ દરેક રાજ્યને અલર્ટ રહેવા કહ્યું છે.. વિદેશથી ભારત આવનાર દરેક લોકોના ફરજિયાતપણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
સાઉથ આફ્રિકાથી કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યા પછી ભારત સરકારે અલર્ટ જાહેર કરી દીધું છે. સાઉથ આફ્રિકા પછી હોંગકોંગથી પણ કોરોનાના નવા વેરિયન્ટના દર્દી મળ્યા છે, તેથી આ દેશોને હવે એટ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આ દેશોમાંથી ભારત આવનારા લોકોને હવે કડક સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
WHOનું કહેવું છે કે આ વેરિયન્ટ પર હજી રિસર્ચ કરવાનું બાકી છે, તેથી હાલ એ જરૂરી છે કે આપણે વધુને વધુ લોકોને કોરોના વેક્સિન અપાવીએ, જેથી તેઓ નવા વેરિયન્ટને ટક્કર આપી શકે અને એની અસર ઓછી થાય.સાઉથ આફ્રિકાથી હોંગકોંગ પહોંચેલા લોકોમાં પણ આ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. નવો વેરિયન્ટ સૌથી પહેલા રીગલ એરપોર્ટ હોટલમાં રોકાયેલા 2 લોકોમાં જોવા મળ્યો છે.