વીઝા ગોટાળા કેસના મની લોન્ડ્રીંગ મામલામાં કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમને કોર્ટે ઝટકો આપ્યો છે. સીબીઆઇની વિશેષ કોર્ટે કાર્તિ ચિદમ્બરમ અને અન્ય બે લોકોના આગોતરા જામીન રદ કરી દીધા છે. વિઝા કૌભાંડ કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમના પુત્રની કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલી વધી છે. સીબીઆઇ કોર્ટે કાર્તિ ચિદમ્બરમના આગોતરા જામીન ફગાવી દીધા છે.
કોર્ટે સમક્ષ ઇડીએ કહ્યું કે જો કાર્તિને જામીન આપવામાં આવશે તો એજન્સી તપાસ નહીં કરી શકે કે રૂપિયા ક્યાં ગયા. ઇડીએ એ પણ કહ્યું કે કાર્તિની અરજી પણ હાલમાં સુનાવણી યોગ્ય નથી. જો તેમને જામીન મળશે તો તપાસ પર અસર પડશે. ઇડીએ કહ્યું કે હાલમાં અમે માત્ર તપાસ શરૂ કરી છે, જ્યાં સુધી કોઇ નક્કર પુરાવા નહી મળે ત્યા સુધી આ મામલે કોઇની ધરપકડ નહીં કરીએ.
વિશેષ ન્યાયાધીશ એમ.કે.નાગપાલે કાર્તિને રાહત આપવાનો ઇનકાર કરતા કહ્યું કે તેમની અરજી સ્વીકાર કરવા માટે પુરતા આધાર પુરાવા નથી. મહત્વનું છે કે 2011માં 263 ચીની નાગરિકોને વિઝા આપવાના સંબંધિત કથિત કૌભાંડ કેસમાં ઇડીએ કાર્તિ ચિદમ્બરમ અને તેના સાથીઓ સામે FIR દાખલ કરી હતી.