ગાંધીનગરઃ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત સરકારનાં વિવિધ ખાતાના વડાની કચેરીઓ અને મહેસુલ વિભાગની વિવિધ કચેરીઓ માટે કારકુનની પરીક્ષા અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. સચિવાલયનાં વિભાગો માટે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ માટેની ભરતીની જાહેરાત કરાઇ છે.
જાહેરાત અનુસાર પરીક્ષાનું આયોજન 13 ફેબ્રુઆરી 2022 ને રવિવારે બપોરે 12થી 2 દરમિયાન આયોજીત કરવામાં આવશે. આ સંપુર્ણ પરીક્ષા OMR પદ્ધતી દ્વારા આયોજીત કરવામાં આવશે. આ પરીક્ષા 2018માં રદ્દ કરવામાં આવી હતી. ત્યારથી આ પરીક્ષાની તૈયારી કરી રહેલા અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાની રાહ જોઇ રહ્યા હતા.
ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ જાહેરાત સીધી પરિક્ષા અંગેની જ છે. જેમાં કોઇ નવો વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે નહી. જે વ્યક્તિએ અગાઉ રદ્દ થયેલી પરીક્ષા સમયે ફોર્મ ભર્યું હશે તે જ વ્યક્તિ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તે જ વ્યક્તિ પરીક્ષા આપી શકશે. જો કે આ નિર્ણય વિવાદિત બને તેમ છે. કેટલાક વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે છેલ્લા બે વર્ષ દરમિયાન એલિજીબલ થઇ ચુક્યા છે પરંતુ તેમને ફોર્મ ભરવાની તક આપી નથી. જેના કારણે ફરી આ મુદ્દો વિવાદિત બની શકે છે.
નોંધનીય છે કે 2018માં ભરતી રદ્દ થયા બાદ છેલ્લા બે વર્ષ દરમિયાન લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે પાત્ર થયા છે. જો કે બોર્ડ દ્વારા માત્ર જૂના વિદ્યાર્થીઓને જ માન્ય ગણતા આ મુદ્દો ફરી ગરમાય તેવી શક્યતા સેવાઇ રહી છે. જો કે જે લોકો 2018 સમયે ઉંમરની રીતે માન્ય હતા પરંતુ હવે ઉંમરના કારણે અમાન્ય ઠરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં માન્ય ગણવામાં આવશે. તેઓની ઉંમર વધારે હોવા છતા તેમને માન્ય ગણવામાં આવશે તેવું અસિત વોરાએ જણાવ્યું હતું.