ભુજમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મજાક થઇ હોય એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. બુધવારે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સ્ટેજ ઉપર ડ્રેગ્ન (કમલમ) ફ્રૂટથી તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે એક બોક્સ ખૂટતાં તાત્કાલિક બોક્સ મંગાવીને ઉપર મુક્યું હતું, પરંતુ જ્યારે આ બોક્સને ખોલવામાં આવ્યું તો તોની અંદરથી ડ્રેગ્ન ફ્રૂટના સ્થાને કેળા નિકળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પક્ષનું સંગઠન મુખ્યમંત્રીને જાણે ગણકારતા જ ન હોય તેવી ઘટના ભૂજમાં પક્ષ દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન બની. આ કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે થાય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તુલા વિધિ યોજાઈ હતી. જાહેરાત એવી થઈ કે ડ્રેગન ફ્રૂટ (કમલમ્)થી તુલા વિધિ યોજાશે. તુલા વિધિ આટોપાઈ. પણ કેટલાકે કુતૂહલવશ તુલા વિધિમાં મુકાયેલા ડ્રેગન ફ્રૂટના બોક્સ ખોલ્યાં તો તેમાં કેળાની લૂમ મુકી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. દેખીતી રીતે જ ભાજપના જ હોદ્દેદારોએ મુખ્યમંત્રી સાથે અને તેમની પ્રતિષ્ઠાના સંદર્ભમાં છેતરપિંડી આચરી હતી. ખુદ CM પણ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ કાર્યક્રમના સ્થળ અંગે પણ છેલ્લી ઘડીએ ફેરફારો થતાં અનેક કાર્યકરો ધક્કે ચડયા હતા.