નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સતત દેશમાં વધી રહ્યા છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અંગે મોટી ચેતવણી અપાઇ છે. નેશનલ કોવિડ 19 સુપરમોડેલ સમિતિએ ચેતવણી આપી છે કે, ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ પીક પર હશે. આ દરમિયાન ગુજરાતમાં 3 સહિત, તેલંગાણામાં 12, કર્ણાટકમાં છ, કેરળમાં ચાર અને મહારાષ્ટ્રમાં ત્રણ કેસ સાથે દેશમાં શનિવારે ઓમિક્રોનના કુલ કેસ 140 થયા છે.
નેશનલ કોવિડ 19 સુપરમોડેલ સમિતિએ જણાવ્યું હતું કે, આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જોકે, દેશમાં મોટાપાયે ઈમ્યુનિટીના કારણે બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી ખતરનાક હશે. ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે.
હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે, ભારતમાં બીજી લહેરની સરખામણીમાં દૈનિક કેસ વધુ આવવાની શક્યતા ઓછી છે. સીરો સરવે મુજબ દેશમાં મોટાભાગની વસતી ડેલ્ટા વેરિઅન્ટના સંપર્કમાં આવી ગઈ છે. હવે અમારો સીરો-પ્રીવલેન્સ 75થી 80 ટકા છે, 85 ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 55 ટકાએ બંને ડોઝ લીધા છે. તેથી ત્રીજી લહેરમાં કોરોનાના દૈનિક કેસ બીજી લહેર જેટલા વધુ નહીં હોય.