સુરતઃ સાઉથ આફ્રિકા સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને ડરનો માહોલ છે. વૈજ્ઞાનિકોએ આ વેરિઅન્ટને અત્યાર સુધીનો સૌથી ઘાતક ગણાવ્યો છે. આ વેરિઅન્ટ ડેલ્ટા કરતા સાત ગણી વધુ ઝડપથી ફેલાઇ શકે છે.
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઇને ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સરકારે એરપોર્ટ પર વિદેશથી આવતા લોકોની તપાસ શરૂ કરી છે. સુરતમાં છેલ્લા 15 દિવસમાં આફ્રિકાથી આવેલા 9 સહિત 351 લોકોને ઓમિક્રોનને લઇને ઘરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં 78ના RTPCR નેગેટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 273ના રિપોર્ટ પેન્ડિંગ છે. વિદેશથી આવેલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવે તેના સેમ્પલના જિનોમ સિકવન્સિંગ કરવાનો નિર્ણય કરાયો છે.
આફ્રિકાથી આવેલા 9 સહિત 351 લોકોને તેમના ઘરમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. 351માંથી 78 લોકોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, અને 273 લોકોના રિપોર્ટ પેન્ડિંગ છે. જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ કરાશે.
બીજી બાજુ કેન્દ્ર સરકારે ઓમિક્રોન વેરિયન્ટને લઇ RTPCR ટેસ્ટ વધારવા સૂચનો કર્યા છે. જે અંતર્ગત પાલિકાએ વિદેશ કે રાજ્યમાંથી આવ્યા હોય અથવા કોરોના પોઝિટીવ હોય તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ રીપોર્ટીંગ ફોર્મ ભરવા અપીલ કરી છે.