દુબઇથી દિલ્હી આવી રહેલા એક યાત્રીકની કસ્ટમ ઓફિસે જ્યારે એરપોર્ટ પર પૂછપરછબાદ તપાસ કરી તો કસ્ટમ ઓફિસર પણ ચોંકી ગયા, કેમ કે દુબઇથી આ યાત્રિક પોતાના પેન્ટની અંદર બે કિલો સોનાની ચેઇન છુપાવીને લઇને આવી રહ્યો હતો. આ સોનાની આજના ભાવ પ્રમાણે કિંમત આશરે એક કરોની આસપાસની થાય છે. આ યાત્રિકે પેન્ટ ઉપર બીજી પેન્ટ પહેરી હતી અને અંદર પહેરેલી પેન્ટના બેલ્ટમાં સોનાની ચેઇન વિંટેલી હતી. જ્યારે આ ચેઇનનું વજન કર્યું તો કસ્ટમ ઓફિસર પણ ચોંકી ગયા હતા કેમ કે સોનાનું વજન લગભગ બે કિલો પર થયું હતું.
કસ્ટમ ઓફિસરના જણાવ્યા અનુસાર આ યાત્રિક ભારતીય છે અને તે 8મી જાન્યુઆરીએ દુબઇથી દિલ્હી પહોંચ્યો હતો, ત્યારે દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ 3 ઉપર ઇમિગ્રેશન ક્લિયરન્સ પછી આરોપીની હિલચાલ શંકાસ્પદ જણાતાં ત્યાં ઉભેલા અધિકારીઓએ તપાસ કરીને કસ્ટમ ઓફિસર્સને સોંપ્યો હતો. જ્યાં યાત્રિકની તપાસ કરાતાં તેની પાસેથી એક કરોડથી પણ વધારેના કિંમતનું સોનું મળી આવ્યું હતું. આ આરોપી પહેલાં પણ આવી રીતે છુપાવીને સોનાની હેરફેર કરી ચુક્યાની પણ કબૂલાત આપી છે. ત્યારે હાલમાં કસ્ટમ વિભાગે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.