ગાંધીનગરઃ રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષા લીક મામલે ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. દિલ્હીથી આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા છે. આપના નેતાઓની ધરપકડ મામલે બે દિવસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.
કમલમ પર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલા કાર્યકરો આપના કાર્યકરોએ છેડતી અને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
બચાવ પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, ખાનગી જગ્યાએ આરોપીઓ ગયા છે તેવું ફરિયાદમાં ઉલ્લેખ છે, પરંતુ ભાજપના પ્રમુખે જ કહ્યું હતું કે, કોઈને કઈ તકલીફ હોય તો સચિવાલયમાં નહીં પરંતુ કમલમ જ આવવાનું ત્યાં જ સોલ્યુશન મળશે. બચાવ પક્ષના અન્ય વકીલે પણ દલીલમાં કહ્યું હતું કે, અમને તો અક્ષરધામ મંદિર દર્શન કરવાનું કહીને બસ બુક કરાવી હતી. પરંતુ રસ્તામાં બસ ઊભી રાખીને એ લોકો ગયા હતા અને 30 મિનિટ સુધી આવ્યા નહીં. બાદમાં પોલીસ આવીને અમને પકડી ગઈ હતી.