ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના થોડા દિવસ બાદ સરકારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. આ મામલે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મૌન તોડ્યું છે. પાટીલે કહ્યું કે સીએમ અને હર્ષ સંઘવીએ અધિકારીઓને કડક સૂચના આપી ગુનેગારોને તાત્કાલિક ઝડપી લીધા છે. પરંતુ કમલમમાં જબરજસ્તી ઘુસીને અને ત્યાં સ્થતિ આગેવાનો સાથે જે વર્તન થયું તે કોઈપણ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી. પાટીલે કહ્યું કે પેપરલીક કાંડમાં અસિત વોરા સામે હજુ પુરાવા મળ્યા નથી, મળશે તો પગલા લેવાશે.
સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે, હું ચોક્ક્સ માનું છું કે પેપરલીક થયું છે, અને આવો બનાવ બને ત્યારે અલગ-અલગ પાર્ટીઓ પોતાનો વિરોધ બનાવવા આવે છે. પરંતુ ગઈકાલે કમલમમાં જબરજસ્તી ઘુસીને અને ત્યાં આગેવાનો સાથે જે વર્તન થયું તે કોઈપણ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી. બીજી તરફ પેપરલીક કાંડમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નથી આવે. અસીત વોરાનું કોઈ ઇનવોલ્વમેન્ટ આવશે તો તેમની સામે પગલા લેવામાં વાંધો નથી, પરંતુ હજુ માત્ર આક્ષેપ જ થાય છે કોઈ ઠોસ પુરાવો મળ્યો નથી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સાખી લેશે નહીં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના યુવાનોના હીતમાં આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લઇ આગામી માર્ચ માસમાં આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં.