અમદાવાદઃ મહેસાણા જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુના કારણે નિધન થયું છે. ઝાયડસના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે કહ્યું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. આશાબેનનું અવસાન થયું ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઝાયડસમાં હાજર હતાં.
આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો છે. જ્યાં તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ આવતીકાલે સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
6 જાન્યુઆરી 1954ના રોજ જન્મેલા આશાબેન આજીવન અપરિણીત રહ્યાં હતા. ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમિસ્ટ્રીમાં Ph.d થયેલા ડો.આશા પટેલ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા હતા. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપે આશાબેનને જ ટિકિટ આપતાં ફરી જીતી ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યાં પછી ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું તારણ સામે આવ્યું હતું. બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં છે.