વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું કે, કૃષિ કાયદા મુદ્દે અમે લોકોને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખેડૂતોનો એક વર્ગ આ કાયદાની વિરૂધ્ધ હતો તેથી અમે આ કાયદા પાછા ખેંચવા નિર્ણય લીધો છે. મોદીએ કહ્યું કે, હું દેશનાં લોકોને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે આપણે જોઇએ કે ત્રણેય કાયદાઓ શું હતા અને તેની જોગવાઇઓ
1. ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય કાયદો) 2020
કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય કાયદા અંતર્ગત એક એવી સિસ્ટમ બનશે જેમાં ખેડૂતો અને વેપારીઓને રાજ્યની APMC એટલે કે રજિસ્ટર્ડ માર્કેટ યાર્ડની બહાર પાક વેચવાની છૂટ મળશે. આ કાયદો ખેડૂતોના પાકને અન્ય રાજ્યમાં કોઈપણ જાતની રોકટોક વિના વેચાણ કરવાની છૂટ આપે છે. કાયદામાં ટ્રાન્સપોર્ટેશન અને માર્કેટિંગ ખર્ચનો સમાવેશ કરવાની પણ વાત કરાઈ છે જેનાથી ખેડૂતોને સારી કિંમત મળી રહે.
વિરોધ કરનારાઓનો આ છે તર્ક
કૃષિ કાયદો પહેલાની વ્યવસ્થાની વાત કરીએ તો ખેડૂતોએ APMCમાં જ પાક વેચવો પડે છે. જેની પાસે રજિસ્ટર્ડ લાઈસન્સ હોય અથવા જે તે રાજ્યની સરકાર જ પાક વેચી શકે છે. અન્ય રાજ્યોમાં ખેડૂતો ઓનલાઈન ટ્રેડિંગથી પણ પાક વેચી શકતા નથી. ખેડૂતોને લઘુત્તમ ટેકાનો ભાવ એટલે કે MSP નહીં મળે તેવો કાયદાનો વિરોધ કરનારાઓ મત વ્યકત કરી રહ્યા છે પરંતું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દાવો કર્યો કે લઘુત્તમ ટેકાના ભાવને કોઈ અસર થશે નહીં અને માર્કેટની વ્યવસ્થા પણ જળવાઈ રહેશે.
2.ધ કોમર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઈસ અસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ એક્ટ (કૃષિક કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો)
કૃષિક કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદા અંતર્ગત ખેડૂતે કૃષિ વેપાર કરનાર ફર્મ, જથ્થાબંધ વેપારી,નિકાસકારો અને મોટા છૂટક વિક્રેતાઓ સાથે કોન્ટ્રાક્ટ કરીને પહેલાથી પાકની કિંમત નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ નક્કી કરેલી કિમતમાં ખેડૂત પોતાના પાકનું ભવિષ્યમાં વેચાણ કરી શકશે. આ કાયદા થકી ખેડૂતો વચ્ચે મધ્યસ્થી હટી જશે અને ખેડૂતો સારી કિંમત મેળવવા સીધા બજારમાં જઈ શકશે. કેન્દ્ર સરકાર મુજબ ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલું સંપૂર્ણ જોખમ ભોગવવું પડશે નહીં. ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ કરનાર લોકો પર પાકને લગતું થોડુ ઘણું નુકસાન વેઠવું પડશે. આ સિસ્ટમમાં દલાલીનો અંત આવશે અને ખેડૂતોના માર્કેટિંગ ખર્ચનો અંત આવશે.
આ કાયદા અંતર્ગત ખેડૂતોને ગેરંન્ટેડ ભાવ તો મળશે પરંતું સાથે સાથે ખેડૂતોએ કરેલા કોન્ટ્રાક્ટ પ્રમાણે તેમને બોનસ અથવા પ્રિમીયમ પણ મળશે. આ કાયદા અગાઉ ચોમાસું, ઉત્પાદન સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓ અને બજારની અનકૂળતા પર ખેડૂતોની આવક નિર્ભર રહેતી હતી. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મતલબ કે કરાર કરવાથી ખેડૂતોને તેના પાકનું ઓછામાં ઓછુ નુકસાન ભોગવવું પડશે.