વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ અવસર પર ખુદ પીએમ મોદી પણ તેમની સાથે હશે. આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. પીએમ મોદીના માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે વડનગરના હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં હીરાબાના પરિવારના સભ્યો સહિત ખુદ પીએમ મોદી પણ ભાગ લેશે. આ પ્રસંગે હીરાબાના લાંબા આયુષ્ય અને તેમના સારા સ્વાસ્થ્ય માટે મંદિરમાં સુંદરકાંડ, શિવપૂજા સહિત અનેક ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 અને 18 જૂનના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. આ દરમિયાન તે તેની માતાને મળશે. પીએમ મોદી પાવાગઢ મંદિરની પણ મુલાકાત લેશે અને બાદમાં વડોદરામાં રેલીને સંબોધશે. આ અવસર પર પીએમ મોદીના પરિવારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરવાની પણ યોજના બનાવી છે.
પીએમ મોદી અગાઉ માર્ચમાં તેમની માતા હીરાબાને ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને મળ્યા હતા. માર્ચમાં યુપી સહિત ચાર રાજ્યોમાં ભાજપની જીત બાદ પીએમ મોદી ગુજરાત આવ્યા હતા.