કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના સાવરકરને લઇને આપવામાં આવેલા નિવેદન પર સવાલ ઉભા થયા છે. પહેલા ઓવૈસી અને હવે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સંરક્ષણ મંત્રીના નિવેદન પર સવાલ ઉભા કર્યા છે. રાજનાથ સિંહે એમ કહ્યુ હતુ કે સાવરકરે મહાત્મા ગાંધીના કહેવા પર અંગ્રેજો સામે દયા અરજી આપી હતી. હવે ભૂપેશ બઘેલે તેની પર સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સાવરકર જેલમાં બંધ હતા તો તેમણે મહાત્મા ગાંધી સાથે વાત કેવી રીતે કરી?
ભૂપેશ બઘેલે કહ્યુ, તે સમયે મહાત્મા ગાંધી ક્યા હતા? સાવરકર ક્યા હતા? સાવરકર જેલમાં હતા. બન્નેએ વાત કેવી રીતે કરી? સાવરકરે (Savarkar)
જેલમાં રહેતા દયા અરજી કરી હતી અને બ્રિટિશરનો સાથ આપતા રહ્યા. આટલુ જ નહી 1925માં જેલમાંથી બહાર આવવા પર દ્વિરાષ્ટ્ર વિશે વાત કરનારા તે પ્રથમ વ્યક્તિ હતા.
રાજનાથ સિંહે કહ્યુ હતુ, સાવરકર(Savarkar) વિરૂદ્ધ જૂઠ ફેલાવવામાં આવ્યુ. વારંવાર આ વાત કહેવામાં આવી કે તેમણે અંગ્રેજી સરકાર સામે અનેક મર્સી પિટિશન ફાઇલ કરી, પણ સત્ય એ છે કે મર્સી પિટિશન તેમણે પોતાને છોડાવવા માટે નહતી ફાઇલ કરી. સામાન્ય રીતે એક કેદીને પુરો અધિકાર હોય છે કે તે મર્સી પિટિશન ફાઇલ કરવા માંગે તો તે કરી શકે છે. મહાત્મા ગાંધીએ તેમણે કહ્યુ હતુ કે તમે મર્સી પિટિશન ફાઇલ કરો. મહાત્મા ગાંધીના કહેવા પર તેમણે મર્સી પિટિશન ફાઇલ કરી હતી.
રાજનાથ સિંહના આ નિવેદન પર રાજકારણ ગરમાયુ હતુ અને વિપક્ષના નેતાઓએ પ્રહાર કર્યા હતા. AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, હવે ભાજપ સાવરકરને રાષ્ટ્રપિતા જાહેર કરશે. બીજી તરફ કોંગ્રેસે કહ્યુ કે, ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. સાવરકર તે પહેલા 1911માં અંગ્રેજોને બે વખત માફીનામુ લખી ચુક્યા હતા.